Tuesday, February 18, 2014

Jay Meldi Maa (ઉત્પત્તિની પુર્વકથા)



"ઉત્પત્તિની પુર્વકથા

"





તમે માતાજી ને માનતા હોય તો લાઇક અને શેર કરો.

મહિષાસુર નામનો એક અતિ બળવાન અસુર પોતાની શક્તિ અને સેનાના જોરે આખી ધરતી પર ત્રાસ ફેલાવવા લાગ્યો. ધરતીના બધા જ રાજાઓને અસુરોની બળવાન સેનાએ હરાવીને ભગાડી મુક્યા અને મહિષાસુર આખી ધરતી પર રાજ કરવા લાગ્યો. તેને સાધુ-પુરુષો અને સજ્જનો ઉપર અત્યાચાર કરવાનું શરૂ કર્યું. જંગલમાં તપ કરતા ઋષિ-મુનિઓને પણ તેણે છોડ્યા નહિ, તેમના હવનમાં નાખવા અને યજ્ઞ બંધ કરાવવા અસુરો આખા જંગલ ફરી વળ્યા. આ ત્રાસથી કંટાળી જૈમીની ઋષિએ મહિષાસુર સામે જઈ કહ્યું કે, "હે અસુરરાજ, અમને ઋષિઓને પજવીને તને શું મળવાનું છે ? તારે શક્તિ જ બતાવવી હોય તો તારા પૂર્વજ એવા મધુ-કૈટભ અને ભસ્માસુરને મારનારી ભવાની આદ્યશક્તિ સામે લડવા જા." જૈમીની ઋષિનું આવું વચન સાંભળી મહિષાસુર વિચારમાં પડી ગયો. તેણે પોતાના અતિ બળવાન અસુર સેનાપતિઓને બોલાવી આદ્યશક્તિ સામે લડવા જવાની વાત કહી, સેનાપતીઓનું મંતવ્ય જાણવા માગ્યું. સઘળા મંત્રીઓ અને સેનાપતિઓએ કહ્યું કે, "આપ જે નક્કી કરો તે અમને સૌને મંજુર છે." પછી મહિષાસુર પોતાના ગુરૂ શુક્રાચાર્ય પાસે જઈ આદ્યશક્તિ સામે લડવાની પોતાની ઈચ્છા દર્શાવી. શુક્રાચાર્યે કહ્યું કે, "અસુરરાજ, આદ્યશક્તિ સામે લડવું એ રમતવાત નથી. જો તારે શક્તિ સામે લડવું હોય તો ભારે તપ કરી બ્રહ્માજીને પ્રસન્ન કરી તેમની પાસે વરદાન માંગજે કે મારું કડી મૃત્યુ ન થાય. આમ અમરત્વનું વરદાન મેળવ્યા પછી જ આદ્યશક્તિ સામે લડવા જઈ શકાય." પોતાના ગુરૂની સલાહ માની મહિષાસુર હાલ જ્યાં પાંચ નદીઓ વહે છે તે પ્રદેશ પંજાબમાં જઈ બ્રહ્માજીનું ઉગ્ર તપ કરવા લાગ્યો. બારસો વર્ષ સુધી જાડનાં સુકા પરનો ખાઈ તેણે તપ કર્યું. મહીશાસુરનું જોઈ ઇન્દ્ર ગભરાયો કે ક્યાંક આ અસુર ઇન્દ્રાસન માટે તપ કરતો હશે ! તેથી તેણે અગ્નિદેવને જંગલમાં મોકલ્યા. અગ્નિના આગમન સાથે આખું જંગલ ભડભડ સળગવા લાગ્યું. સળગતા જંગલમાં પણ મહિષાસુર ગભરાયો નહિ અને તેણે તપ ચાલુ રાખ્યું. આ જોઈ બ્રહ્માજી પ્રસન્ન થયા અને કહ્યું કે, "અસુરરાજ, જે જોઈએ તે માંગ." હાથ જોડી મહિષાસુર બોલ્યો કે, "જો આપ મારા તપથી પ્રસન્ન થયા હો તો હું કદી ન મરુ એવું મને વરદાન આપો." બ્રહ્માજીએ કહ્યું કે, "જે જન્મે છે તે મરે છે માટે તું કઈ બીજું વરદાન માંગ." આ સાંભળી અસુર બોલ્યો કે, "હું કોઈ પુરુષથી ન મરુ એવું વરદાન આપો." બ્રહ્માજી તથાસ્તુ કહી અંતર્ધ્યાન થયા. દેવલોકમાં આ સમાચાર જાણી ખલભલાત મચી ગયો કે હવે મહિષાસુર કોઈ દેવતાઓને સુખેથી રહેવા નહિ દેશે. આ તરફ મહિષાસુર પણ તેની અસુર સેના સાથે પાતાળને જીતવા નીકળ્યો. પાતાળ પર ચડાઈ કરી, પાતાળરાજ વાસુકી જીવ બચાવી ભાગ્યો. કેટલાક નાગ માર્યા ગયા, કેટલાક બંદીવાન તરીકે પકડાયા. મહિષાસુરે પાતાળ પણ જીતી લીધું.




હવે તેણે સ્વર્ગ તરફ દ્રષ્ટિ કરી. 'ઇન્દ્રને હરાવી સ્વર્ગનું રાજ પણ મારે હસ્તક કરું' એમ વિચારી મહિષાસુરે સ્વર્ગ પર ચડાઈ કરી. ઇન્દ્રના લશ્કરે મહિષાસુરને ઠેર ઠેર રોકવાની કોશિશ કરી, પણ તેણે રોકી શક્યા નહિ. આ જોઇને ઇન્દ્ર ગભરાયો અને સીધો ગયો બ્રહ્માજી પાસે. ઇન્દ્ર બ્રહ્માજીને પગે લાગી વિનંતી કરવા લાગ્યો કે, "મને બચાવો, સ્વર્ગને બચાવો." બ્રહ્માજીએ કહ્યું કે, "મારું કામ નહિ, ચાલો શંકર પાસે." બંને શંકર પાસે ગયા. ઇન્દ્ર અને બ્રહ્માજીની વાત સાંભળી મહાદેવ પણ વિચારમાં પડી ગયા કે અસુરને રોકવો કઈ રીતે ? તેઓ બ્રહ્માજી અને ઇન્દ્ર સાથે ક્ષીરસાગરમાં શેષશૈયા પર પોઢેલા ભગવાન વિષ્ણુ પાસે જઈ વંદન કરી કહેવા લાગ્યા કે, "આ મુસીબતનો શો ઉપાય છે ?" ભગવાન વિષ્ણુ બોલ્યા કે, "મહિષાસુર બળવાન છે, અને બ્રહ્માજીનું વરદાન પણ તેણે મેળવ્યું છે, માટે આપણે કોઈ તેની સામે ટકી શકીએ નહિ. મહિષાસુરનો નાશ ફક્ત આદ્યશક્તિ ભવાની માતા જ કરી શકે એમ છે : માટે આપણે સૌ દેવતાઓ આદ્યશક્તિને પ્રસન્ન કરીએ." બ્રહ્માજી, વિષ્ણુ, મહેશ, ઇન્દ્ર અને બધા જ દેવતાઓ આદ્યશક્તિની સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિ સાંભળી ભવાની ઉપસ્થિત થયા અને પ્રસન્ન થઇ કહેવા લાગ્યા કે, "હે દેવતાઓ ! ગભરાશો નહિ. મહિષાસુરે પોતાનું જ મોત વરદાનમાં માગ્યું છે. હું તેણે રણમાં રોળી ત્રણે લોકને એના ત્રાસથી મુક્ત કરીશ." માતાજીનું આવું વચન સાંભળી દેવતાઓ ફરી ફરીને માની સ્તુતિ કરી પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા. પછી માતાજી અંતર્ધ્યાન થયા. માતાજીનું પૃથ્વી પર પ્રાગટ્ય્ થયું. અષ્ટ હાથ, માથાપર ઝગારા મારતો મુગુટ, આઠેય હાથમાં આયુધો, સુર્યની જેમ ઝગારા મારતું માતાજીનું ત્રિશુલ, સિંહ પર સવાર થઇ માતા મહિષાસુરના નવા વસાવેલા શહેર મહિસુર(આજનું મૈસુર) તરફ રવાના થયા.




મહિષાસુરના બે મહાબળવાન સેનાપતિઓ ચંડ તથા મુંડે માતાજીને આવતા જોયા. પૂર્ણિમાના ચંદ્ર સમું મુખ, કમર સુધીનો કાળો ભમ્મર ચોટલો, સુવર્ણનાં આભૂષણો તથા આયુધો. બંને અસુરો માતાજીના મોહક રૂપ જોઈ અંજાઈ ગયા અને જઈને મહિષાસુરને જાન કરી કે અતિ સ્વરૂપવાન એક સ્ત્રી આપણાં રાજ્યમાં અઆવી છે. નક્કે તે સુંદરી કુંવારી છે. કદાચ તે પતિની શોધમાં અહી આવી હોય. આપ જો તે સ્ત્રી સાથે લગ્ન કરો તો સોનામાં સુગંધ ભળે તેવું યુગલ બને. મંત્રીઓની વાત સાંભળી મહિષાસુરને પણ તે સ્વરૂપવાન સ્ત્રીને જોવાની ઉત્કંઠા જાગી. તેણે ચંડ-મુંડને હુકુમ કર્યો કે, "જાવ ! અને તે સુંદરીને પૂરા માન-સન્માન સાથે અહી લઇ આવો." મહિષાસુરની આગના થતા જ બંને અસુરો હજારોની અસુર-સેના લઇ માતાજીનું સ્વાગત કરવા ઉપડ્યા. તે બંને જઈને આદ્યશક્તિને કહેવા લાગ્યા કે, "હે દેવી ! ભૂલોક, પાતાળલોક, અને સ્વર્ગલોક અમારા સ્વામીનું નામ સાંભળતા કાંપે છે. અમારા સ્વામી પાસે ત્રિલોકની સંપતિ છે. વીસ લાખની અસુર સેના છે. શક્તિમાં એની તોલે આવે તેવો યોદ્ધો ભૂતળ પર નથી. આવા ત્રીલોકેશ્વર મહિષાસુરે આપને તેડાવ્યા છે. તે તમારી સાથે લગ્ન કરવા માંગે છે. તમારું જીવન ધન્ય થઇ જશે, માટે હે દેવી, ચાલો અમારી સાથે." ચંડ-મુંડનું આવું મૂર્ખામીભર્યું નિવેદન સાંભળી માતાજી બોલ્યા, "તમારા સ્વામી પાસે સંપતિ છે, શક્તિ છે, નામ છે, એ બધું તો દેવતાઓ પાસે પણ છે. તમારા સ્વામી પાસે બુદ્ધિ છે ? કે પછી તે એના નામ પ્રમાણે ગુણ ધરાવે છે ! હે અસુર સેનાપતિઓ ! મહિષ એટલે પાડો. શું તમારા સ્વામીની બુદ્ધિ પાડા જેવી છે ?" માતાજીના વ્યંગ સાંભળી ચંડ-મુંડ ક્રોધે ભરાયા અને માતાજીને ધમકીઓ આપવા લાગ્યા. માતાજીએ ત્રિશુલવાળો હાથ ઉંચો કર્યો. હજારોની અસુર-સેના સાથે ચંડ-મુંડ ત્યાંથી ભાગ્ય અને મહિષાસુર પાસે પાછા ફર્યા અને તેણે કહેવા લાગ્યા. "હે સ્વામી ! તે રૂપાળી સ્ત્રી ઘણીજ શક્તિશાળી છે. અમે તેણે આપની સામે લાવી શક્યા નથી." મહિષાસુરે રક્તબીજ અને ધુમ્રલોચન નામના તેણે મહાબળવાન સેનાપતિઓને એ સ્ત્રી લઇ આવવા હુકુમ કર્યો અને કહ્યું કે, "તે રૂપમતીને સમજાવીને લઇ આવો, જો ન માને તો ચોટલો ઝાલિ પકડી લાવજો." ચાલીસ હજારની અસુર-સેના લઇ રક્તબીજ તથા ધુમ્રલોચન ઉપડ્યા. દુરથી માતાજીને ઉભેલા દીઠા. બંને અસુરો નજીક જઈ કહેવા લાગ્યા : "હે સુંદરી ! તારા સારા નસીબે તને મહિષાસુર જેવો પતિ મળે છે, માટે જીદ ન કર અને અમારી સાથે ચાલ. જો તું ઇનકાર કરીશ તો અમે તને ચોટલો ઝાલિ બળજબરીથી ખેંચીને લઇ જશું." આથી માતાજી ગુસ્સે થયા અને તેમની સામે યુદ્ધ આરંભ્યું. તેમાં રક્તબીજ અને ધુમ્રલોચનનો નાશ કર્યો. આમ ચંડ-મુંડ અને શુંભ-નીશુંમ્ભનો પણ નાશ કર્યો. છેવટે મહીશાસૂર પોતે એક લાખ અને સાઈઠ હજાર અસુરનું લશ્કર લઇ માતાજી સામે લડવા ઉપાડ્યો. માએ મહિષાસુરને આવતો જોઈ પોતાની જોગણીઓનું લશ્કર તૈયાર કર્યું. મહાકાળી, મહાદેવી, કાલિકા, ભદ્રકાળી, મહાસરસ્વતી, મહાલક્ષ્મી પોતપોતાના તમામ સ્વરૂપોની દેવીઓ સહીત રણમેદાનમાં રહીને ભવાનીને મદદ કરી રહ્યા હતા. હવે દેવતાઓએ પણ પોતાના શાસ્ત્રો આપી સહાય કરી. લડાઈના નગારા વાગવા લાગ્યા ધૂળની ડમરીઓથી સૂર્યનું તેજ જાખું પડવા લાગ્યું. હાકોટા-પડકારથી દિશાઓ ગુંજવા લાગી. શેષનાગ ડોલવા લાગ્યો. પૃથ્વી કંપવા લાગી. આયુધો ખખડવા લાગ્યા. ભીષણ યુદ્ધ થયું. જોગણીઓ અસુર-સેનાઓને કાપવા લાગી.




પોતાના યોદ્ધાઓની આ હાલત જોઈ મહિષાસુર ખિન્ન થયો. માએ પણ બધી દેવીઓ અને જોગનીઓને કહી દીધેલ છે કે, "આજ યુદ્ધનો અંતિમ દિવસ છે. માટે એક પણ અસુરને જીવતો જવા દેશો નહિ." ભયાનક યુદ્ધ શરુ થયું. વીસ ઘોડાવાળા સોનાના રથમાં બેસી મહિષાસુર લડવા લાગ્યો. માતાજીએ એક પછી એક તેના તમામ આયુધોનો નાશ કર્યો. હાથમાં કોઈ હથિયાર ન રહેતા મહિષાસુર પર્વતનાં પથ્થરો ઉખેડી તે વડે લડવા લાગ્યો. મહિષાસુર સમજી ગયો કે 'શક્તિ તેણે છોડશે નહિ. ચંડ-મુંડ, રક્તબીજ, ધુમ્રલોચન, શુમ્બ-નીશુમ્બ જેવા મહારથીઓને ચપટીમાં રોળી નાખનાર માતાજી મને મારી નાખશે.' આમ વિચારી મહિષાસુર યુદ્ધ-મેદાન છોડીને જીવ બચાવવા ભાગ્યો. લોહીની નદીઓ ઓળંગતો કાળા પહાડ જેવો મહિષાસુર પાડાનું રૂપ લઇ ધૂળની ડમરીમાં ન દેખાય તેમ ભાગવા લાગ્યો. માતાજી પવનવેગી રથમાં સવાર થઇ મહિષાસુરની પાછળ પડ્યા. આગળ મહિષાસુર અને પાછળ માતાજી.




માને નજીક પહોંચતા જોઈ મહિષાસુર એક ભેંસના ટોળાંમાં પાડો બનીને સંતાઈ ગયો. માર માર કરતા માતાજી ત્યાં પહોંચ્યા, જઈને ગોવાળને પૂછ્યું. ગોવાળે તેમને ઇશારાથી પાડો બનેલા મહિષાસુરને બતાવી દીધો. મહિષાસુર ત્યાંથી ભાગ્યો. મોટા પહાડને રમઘોળતો લાગ જોઈ કુકડાનું રૂપ લીધું, પણ ભવાનીની નજરમાંથી તે બચી શક્યો નહિ. ઓળખાઈ જતા તે ત્યાંથી પણ ભાગ્યો અને એક ગાયના પેટમાં સંતાઈ ગયો. માં ભવાની વિચારવા લાગ્યા કે ગાયના પેટમાં મહિષાસુરને મારવા જાવું તો ગાય મારી જાય, એટલામાં મહાકાળી માતા ત્યાં પહોંચી ગયા અને તેમના હુંકારથી મહિષાસુર ગાયના પેટમાંથી બહાર પડ્યો. હવે મોત એક વેંત છેટે દેખાતા મહિષાસુર ચમારની ચામડા રંગવાની કુંડમાં સંતાયો. લાચાર બનીને માતાજી મહિષાસુરને કુંડીમાં સંતાયેલ જોવા લાગ્યા. પણ પવિત્ર દેવી મેલામાં પ્રવેશ કરી શક્યા નહિ.




દાંત કચડાવી હાથ મસળતા થાના મેલમાંથી એક બાળકી સ્વરૂપ દેવી ઉત્પન્ન થયા તેના શરીરનો વર્ણ શ્યામ હતો, વાળ છુટા હતા, એક હાથમાં ખપ્પર અને બીજા હાથમાં ખાન્દુડી છરી હતી. જીભ રક્તબોળ બહાર લટકતી હતી. આખો લાલ હતી. શરીર પર માનવચર્મનું આચ્છાદન હતું. જાણે ધરતી પર કાળો સુરજ પ્રકાશમાન થયો હોય તેવા તે દેવી શોભવા લાગ્યા. કાલિકા દેવીએ તે નનામી બાળકી ને કહ્યું "મહિષાસુરને મેલામાંથી બહાર કાઢો" મહાકાળીના હુકમથી નનામી દેવીએ મેલામાં પ્રવેશ કર્યો. અને મહિષાસુરને ગરદન પકડીને બહાર કાઢ્યો. ફરી તે યુદ્ધ કરવા લાગ્યો અને માતાજીના અને મહિષાસુરના આયુધો ટકરાવા લાગ્યા. માતાજી બળપૂર્વક મહિષાસુર સામે લડવા લાગ્યા. તલવારના ઘાથી અસુરરાજના શરીરમાંથી લોહીના ફૂવારા છૂટવા લાગ્યા. આ લોહી ધરતી પર પડતા જ મહિષાસુર જેવા ભયાનક અસુરો ઉત્પન્ન થઇ માં સામે લડવા લાગ્યા. ભવાની માતાએ આ જોઈ મેલડી માતાને હુકમ કર્યો કે મહિષાસુરનું રક્ત ધરતી પર પડવા ન દો. મેલડી માતા પોતાના ખપ્પરથી અસુરનું રક્ત પીવા લાગ્યા. એટલે એક-એક ટીપાંમાંથી એક-એક અસુર બનતા અટકી ગયા. માતાજીએ જમણો હાથ ઉંચો કર્યો અને સૂર્યનાં તેજ જેવું ત્રિશુલ મહિષાસુરની ગરદન પર પડ્યું અને માથું ધડ પરથી અલગ થઇ ગયું. આ જોઈ દેવીઓ અને જોગણીઓ ભવાની માતાની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ દુંદુભી વગાડી માં ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી. ત્યારે માતા નનામી બાળકી સમી દેવીએ પોતાનું નામ પાડવા નિવેદન કર્યું ત્યારે ભવાનીએ પ્રસન્ન થઇ કહ્યું કે, હે દેવી તમે મારા મેલમાંથી ઉત્પન્ન થઇ આજે મહિષાસુર જેવા દુષ્ટ અસુરને મેલામાંથી બહાર કાઢ્યો છે તો આજથી તમારું નામ "મેલડી". અને તમ મેલડી નામે આ જગતમાં પ્રસિદ્ધ થશો.



મેલડી માતાએ 
મહિષાસુરને બહાર કાઢવા માટે મેલામાં પ્રવેશ કર્યો એટલે તેમનું નામ 'મેલડી' પડ્યું. મેલડી માતાનો રંગ તાવડી જેવો કાળો, હોઠ પ્રમાણમાં જાડા, કસાયેલું શરીર, જીભ વેન્તલા મુખની, બહાર દાંતપંક્તિ પણ લોહીથી રંગાયેલ, જીભ પરથી લોહીના પડતા ટીપાં, એક હાથમાં ખડક અને બીજા હાથમાં ખપ્પર, માના શરીર પર માનવચર્મનું આચ્છાદન છે. દેહ અર્ધ ઢકાયેલ છે. સૂર્યના તેજ જેવી કાળી કાંતિ ચારે તરફ ફેલાયેલ છે. માનું રૂપ ભયાનક-બિહામણું છે. તેમનું વાહન કાળો બોકડો હોઈ બોકડા પર માતાજી આરૂઢ થયેલા છે. અષ્ટ હાથવાળા મેલડી માના હાથમાં ગાળા, ચક્ર, તલવાર, ધનુષ્ય-બાણ ખપ્પર ગરવો અને ત્રિશુલ શોભે છે. એક હાથ આશિષ આપતો ખાલી છે. માનું રૂપ નજરમાં તરત જ વસી જાય તેવું છે.


મેલડી માતાજી મેલા ગણાયેલ દેવી છે. આથી મેલીવિદ્યાનાં સાથાકો મસાણી મેલડીને ભજી સિદ્ધિઓ મેળવે છે. તેઓ અનેક નામે ઓળખાય છે.


૧) મુન્જપરીની મેલડી,


૨) વાણીયાની મેલડી,


૩) હજીરાની મેલડી,


૪) શેરપરાની મેલડી,


૫) માઢની મેલડી,


૬) ઉગતી મેલડી,


૭) આથમતી મેલડી,


૮) ચોરાની મેલડી,


૯) કોઠાની મેલડી,


૧૦) વણજારાની મેલડી,


૧૧) વાઘરીની મેલડી,


૧૨) મડાખાઉંની મેલડી,



આવા અનેક નામે મેલડી માં પ્રસિદ્ધ છે.


માતાજી ખૂબ દયાસાગર છે. માનવી જે ભાવથી ભજે એવું ફળ તેને આપે છે. યુદ્ધમાં મેલડી માના સ્મરણથી, માની સહાયથી ચોક્કસ જીતાય છે.માં દરેક કાર્યમાં ભક્તોને સહાય કરે છે. કોર્ટ-કચેરીનાં કામમાં માતાજી ભક્તોને ઘણી જ સહાય કરે છે. મેલડી માના સ્મરણથી જજ સાહેબના ચુકાદા બદલી ગયાના અનેક દાખલા મોજૂદ છે. જે ગામની ફરતા કોટ બાંધવામાં આવે છે, ત્યાં દરવાજા પાસે એક તરફ કાળ ભૈરવ અને એક તરફ મેલડી માતાની સ્થાપના કરવામાં આવે છે. કાળ ભૈરવ અને મેલડી માતા ગામનું રક્ષણ કરે છે. આને મેલડી માની ચોકી મૂકી કહેવાય છે.વાસના નાકે ફળિયામાં કે ઘરમાં માની સ્થાપના કરવામાં આવે છે. નાની દેરીમાં માની છબી પધરાવી અથવા નારિયેળમાં માનું સ્થાપન કરવામાં આવે છે. માં મેલીવિદ્યાથી ચોર-લુંટારાથી ભક્તોનું રક્ષણ કરે છે.


ખેતરના શેઢે ક્ષેત્રપાળ તરીકે પણ માનું સ્થાપન અનેક જગાએ થયેલું છે. ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાના ગામ કોળીયાકમાં જ્યાં નકલંક મહાદેવનો મોટો મેલો ભરાય છે, એ ગામમાં વાણંદનું ખેતર નામનું ખેતર છે. એ ખેતરનાં શેઢે મેલડી માતાજીની નાનકડી દેરી છે. એક નારિયેળીમાં માનું સ્થાપન થયેલ છે. આ ખેતરમાંથી તૈયાર પાક કોઈ ચોરી શકતું નથી. ઢોર-ઢાખર પણ ખેતરમાં જઈ કશું નુકસાન કરી શકતા નથી. ઢોર ખાવા જાય તો તેના મોઢા પર લાકડી પડી હોય તેવો અવાજ દૂર સુધી સંભળાય છે અને ઢોર ભાગે છે, ફરી એ તરફ ડોકાતું નથી.


મહિષાસુરનો નાશ કરી આદ્યશક્તિ હિમાલયમાં થાક ઉતારવા બેઠા પછી રાજસ્થાન તરફ પ્રયાણ કર્યું. મહાકાલી પાવાગઢ ગયા. બહુચરાજી પણ બેચરાજી પાછા ફર્યા. ખોડિયાર રાજપરા તરફ રવાના થયા. આઈ વરૂડી તરફ જવા ઉપડ્યા. ચામુંડા માતા ચોટીલા ગયા. સૌ જોગણીઓ પણ પોતપોતાના સ્થાનક તરફ પાછા ફરવા લાગ્યા. એ સમયે મેલડી માતા ચારે તરફ નજર કરતા રણમેદાનમાં ઉભા રહ્યા. આ જોઈ અંબાજીએ મેલડી માતાજીને રોકાવાનું કારણ પૂછ્યું. માં ધીર ગંભીર અવાજથી બોલ્યા, "હે માં, હું મહાકાળીનો અવતાર છું, પણ મહાલક્ષ્મી યોગમાયાના મેલમાંથી ઉત્પન્ન થઇ ચુ, તેથી હૂં મહાલક્ષ્મી પણ છુ, ચામુંડા માતાજીને મહિષાસુરને મારવા માટે મારી જરૂર પડી, તેથી હું ઉત્પન્ન થઇ છુ, તેથી હું મહાસરસ્વતી પણ છુ. તો હવે હું ક્યા જાઉં ? અને કઈ દેવીના શરીરમાં જઈ સમાઉં તે મારી સમજણમાં આવતું નથી." આ સાંભળી ભવાની આદ્યશક્તિ આરાસુરવાળા શ્રી અંબાજી બોલ્યા કે, "હે મેલડી, તારે કોઈનામા સમાવવાની જરૂર નથી, પૃથ્વીલોક પર ભક્તોનો ઉદ્ધાર કરવા મેલડી માં તમે ગુજરાત જાવ." આમ, કહી અંબાજી પોતાના આયુધ, શક્તિ તથા સામર્થ માં મેલડીને અર્પણ કરી ગુજરાત મોકલ્યા. આમ, માનું ગુજરાત-કચ્છ-કાઠીયાવાડમાં પ્રથમ આગમન થયું.



Mataji Ni Kathao & Parchao Mate Lok Kathao Page Jovo

Its Great Religious & Connecting to Maa Meldi


Jay Ma Meldi

No comments:

Post a Comment